ગુજરાત ભૂમિ, સુરત
પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે સુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. ગૃહ, ઉદ્યોગરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૧૦૦ મિલિયન ડોલર (રૂ.૮૪૦ કરોડ)ના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ૩૦ હજાર ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ સેમી કન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સેમિ કન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે. કોરોના કાળ બાદ સૂચિ સેમિકોન કંપની દ્વારા ખૂબ ઓછા સમયમાં પ્લાન્ટ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યો છે.
એક વર્ષ પહેલાં તેમના સેમી કન્ડકટર મેન્યુફેક્ચરિંગના વિઝનની વડાપ્રધાનશ્રીએ પણ સરાહના કરી હતી અને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. મંત્રીશ્રી સી.આર.પાટીલે કહ્યું કે, દેશમાં મેડિકલ ડિવાઈસ બનાવવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાતમાં મેડિકલ ડિવાઈસ બનાવવામાં સુરત પ્રથમ ક્રમે છે. તાપીથી વાપીની ધરતીનું પાણી જ ઉદ્યોગકારોને સાહસ કરવા પ્રેરે છે. આ ધરતીની તાસીર જ રહી છે કે ઉદ્યોગ સાહસિકો જે ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં ડંકો વગાડે છે. તેમણે સૂચિ સેમિકોનના સ્થાપક શ્રી અશોક મહેતાને અભિનંદન આપતા કહ્યું કે, રૂ.૧૫૦૦ ની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર અશોકભાઈ આજે સેમી કન્ડકટર પ્લાન્ટમાં ૧૫૦૦ હોનહાર ઇલેક્ટ્રોનિક એન્જિનિયરોને રોજગારી આપી રહ્યા છે એમ જણાવી તેમણે ઉદ્યોગકારોને રેઈન વોટર હાર્વેસ્ટિંગથી જળસંચયને વેગ આપી ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં સહયોગી બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગૃહ, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન જેવા કે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, ઓટોમોબાઈલ, એ.સી., ડિજિટલ મેડિકલ ડિવાઈસ, ઈન્ટરનેટની ડેટા ટેકનોલોજી વગેરેમાં ‘સેમીકન્ડક્ટર’ ચાલક બળ હોય છે. વડાપ્રધાનશ્રીના સેમી કન્ડકટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવાની ગુજરાત અને ગુજરાતીઓમાં ક્ષમતા છે, જે સૂચિ ગ્રુપે સાબિત કર્યું છે.
સૂચિ ગ્રુપના સાહસથી માઈક્રો ચિપ્સના અન્ય ઉદ્યોગ સમૂહોને બુસ્ટ મળશે. ઔદ્યોગિક વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે, એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમીકન્ડક્ટર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’બનાવવા માટે સરકારે જાન્યુઆરી-૨૦૨૨માં સેમીકન્ડક્ટર પોલિસી અમલી બનાવી છે. જેના પરિણામે સેમીકન્ડક્ટર-માઈક્રો ચિપ્સ અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે એમ સંઘવીએ ઉમેર્યું હતું. સૂચિ ગ્રુપ દ્વારા ટેક્ષટાઈલના ટ્રેડિશનલ બિઝનેસની સાથોસાથ ડિજિટલ ટેક્નોલોજીના વ્યવસાય તરફ ડગ માંડવા એ અન્ય ઉદ્યોગકારો માટે પ્રેરણાદાયી છે એમ જણાવી ગૃહમંત્રીશ્રીએ સૂચિ સેમિકોનને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારે પ્રાસંગીક ઉદ્દબોધન કરતા કહ્યું કે, રાજ્ય સરકારે સ્થાનિક સેમી કન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગકારોને પ્રગતિની દિશા મળે એ માટે સેમીકન્ડક્ટર પોલિસી (૨૦૨૨-૨૦૨૭) જાહેર કરી છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. સરકારે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ કાર્યરત કર્યું છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT/ITes પોલિસી જાહેર કરી છે. સુરતના ટેક્ષટાઈલ નિકાસકાર અને સુચિ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક અશોક મહેતાએ સેમીકન્ડક્ટર બિઝનેસમાં પ્રવેશની સફર વર્ણવી જણાવ્યું કે, ટેકનોલોજીના યુગમાં સેમિ કન્ડકટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૧ થી સતત બે વર્ષ સુધી રિસર્ચ અને એનાલિસિસ કર્યું હતું. આ માટે જુદા જુદા ૧૨ દેશોમાં ભ્રમણ કર્યું અને ગત એક વર્ષના સમયગાળામાં પ્લાન્ટનું કન્સ્ટ્રકશન કાર્ય પૂર્ણ કરી સ્ટેટ ઓફ ધ આર્ટ સેમી કન્ડકટર પ્લાન્ટ સાકાર કર્યો છે. માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે આ પ્લાન્ટ થકી લાભ મળશે. સેમીકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન અને સહકાર મળ્યા હોવાનું જણાવી શ્રી અશોક મહેતાએ માદરે વતન રાજસ્થાનના ચિત્તોડગઢ અને બડી સાદડી પરગણામાં આવનાર એક વર્ષમાં જળસંચય માટે ૫૦ રેઈન વોટર હાર્વેસ્ટિંગ બોર નિર્માણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. સૂચિ સેમિકોનના ડિરેક્ટરશ્રી શેતલ મહેતાએ જણાવ્યું કે, લોકલ કંપની સૂચિ દ્વારા ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુસાર સેમી કન્ડકટર ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં ટ્રાયલ બેઝ પર ઉત્પાદન કરાશે, ત્યારબાદ કોમર્શિયલ બેઝ પર ક્વોલિટેટિવ ઉત્પાદન કરાશે. આગામી પાંચ વર્ષમાં ૧૨૦૦ જેટલી નવી રોજગારી આપીશું. આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિ કન્ડકટર પ્લાન્ટ શરૂ થવા બદલ પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ/બાયોટેકનોલોજી મિશનના એમ. ડી. મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, જે કે પેપર લિ. ના પ્રેસિડેન્ટ એ. એસ. મહેતા સહિત ઉદ્યોગકારો, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.