લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
ગુજરાત ભૂમિ, આણંદ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શિતા, ગતિ અને સરળતા પ્રદાન કરવાની સાથે મતદારોને મુંઝવતા મતદાર યાદી કે નોંધણી સહિતના પ્રશ્નો સરળતાથી હલ થાય તેવા ઉદ્દેશ્યથી “વોટર હેલ્પલાઈન” મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. જે અંતર્ગત આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા જિલ્લાના તમામ મતદારોને ચૂંટણી સબંધિત માહિતી મેળવવા કેવાયસી એપ્લિકેશન, મતદાર યાદી કે નોંધણી અંગેની જાણકારી મેળવવા વોટર હેલ્પલાઈન એપ્લિકેશન તથા આચારસંહિતાના ભંગની ફરીયાદ કરવા સી-વિજિલ મોબાઈલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણની સાથે વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને મુંઝવતા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચે પણ મતદારોને જાગૃત કરવા અને તેમને પડતી મુશ્કેલીઓના નિરાકરણની સાથે મતદારોને જરૂરી તમામ જાણકારી આપવાના ઉદ્દેશ્યથી વિવિધ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.
ચૂંટણી પંચની વિવિધ મોબાઇલ એપ્લિકેશન પૈકીની એક એપ્લિકેશન એટલે કે વોટર હેલ્પલાઈન એપ્લિકેશન. આ એપ્લિકેશન દ્વારા મતદારો મતદાર-સંબંધિત સેવાઓ ડિજીટલી મેળવી શકે છે. મતદાર યાદીમાં નામ શોધવું, મતદાર પોતે મત આપવા માટે લાયક છે કે કેમ?, મતદાર તરીકેની નોંધણી અથવા નોંધણીની વિગતોમાં ફેરફાર કરવા, ડિજિટલ ફોટો મતદાર કાપલી ડાઉનલોડ કરવા અને ફરિયાદો દાખલ કરવા જેવી વિશેષતાઓ સાથેની વોટર હેલ્પલાઈન એપ્લિકેશન મતદારો માટે ઘણી ઉપયોગી છે.
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એ દરેક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આજના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ અને વિવિધ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે જેને ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ મોબાઇલ એપ્લિકેશન થકી ભારતનો કોઇપણ મતદાર પોતાના મોબાઈલ ઉપર માત્ર આંગળીના સ્પર્શથી સમયસર ફોર્મ સબમિટ કરી શકે છે તથા ભારતીય ચૂંટણી પંચના પોર્ટલ પરથી ચૂંટણી સંબંધિત વિવિધ માહિતી મેળવી શકે છે. આ એપ્લિકેશન મતદારને ફોર્મ ભરીને જમા કરાવવા જવાની જૂની-પુરાણી પદ્ધતિઓથી મુક્ત કરે છે. એટલું જ નહિં પરંતુ એપના લોગિનથી લઈને નોંધણી સુધીની સમગ્ર પ્રક્રિયા ગણતરીની પળોમાં પૂર્ણ કરી શકાય છે. જેથી કહી શકાય છે કે વોટર હેલ્પલાઈન એપ્લિકેશન ભારતના ચૂંટણી પંચ અને દેશના મતદારોને એકસાથે જોડવાની પ્રક્રિયાને સરળ, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવાનું સબળ માધ્યમ બની રહી છે.