ગુજરાત ભૂમિ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવા કે ફરિયાદ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૪X૭ સમયગાળા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ કાર્યરત છે. જ્યારે કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે. તેવી જ રીતે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ માટે C-vigil મોબાઇલ એપનો ઉપયોગ કરી ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ કરી ફોટો કે વીડીયો મોકલી શકાય છે.
આ ફરિયાદ મળ્યાની ૧૦૦ મિનિટની અંદર તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદથી અત્યારસુધીમાં જિલ્લામાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ ના માધ્યમથી ૪ લોકોની, હેલ્પલાઈન નંબર ૧૯૫૦ દ્વારા ૨૭૬ લોકોની અને ચૂંટણી પંચની મોબાઈલ એપ C-vigil દ્વારા જિલ્લામાંથી ૧૨ લોકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિવારણ કરવામાં આવ્યું છે.
આમ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૨૯૨ લોકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિવારણ કરવામાં આવ્યું છે અને આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી કરવામાં આવી રહી છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુને જણાવ્યું છે.