ગુજરાત ભૂમિ, ભાવનગર
લોક કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથી નિમિતે આગામી તા. 13 માર્ચને મંગળવારના રોજ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સપ્તધ્વની સમાજ વિકાસ ટ્રસ્ટના સંયોજનથી એક પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ લોક ડાયરનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંગે વિગતે માહિતી આપતા સપ્તધ્વની ટ્રસ્ટનાં ટ્રસ્ટી જવલંત ભટ્ટ અને ડો. નીરવ પંડ્યા જણાવે છે કે ઝવેરચંદ હોલના મિનિ ઓડિટોરિયમ ખાતે રાત્રે 8.00 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં ભાવનગરના જાણીતા કલાકારો શ્યામ મકવાણા, રમણીક ધાંધલિયા અને મિતુલ રાવલ સહિતના કલાકારો આ લોકડાયરમાં પોતાની કલા પ્રસ્તુત કરશે. આજની યુવા પેઢી ગુજરાતી લોક સાહિત્યના ભીષ્મ પિતામહ ગણી શકાય તેવા કવિ દુલા ભાયા કાગના જીવન અને સર્જનથી પરિચિત થાય તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ દુલા ભાયા કાગની સ્મૃતિમાં એક પ્રદશનનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યક્રમ ભાવેણાની જાહેર જનતા માટે નિશુલ્ક આયોજિત થનાર છે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવાં ભાવનગરની કલા પ્રિય જનતાને જાહેર નિમંત્રણ છે.