ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલિસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ જીવલેણ માર્ગ અકસ્માતની ઘટના ન બને તે અંગે સલામતિને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં સભ્યસચિવ એ.આર.ટી.ઓ સરવૈયાએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાઓમાં થયેલ તમામ પ્રાણઘાતક અકસ્માતો અને આવા અકસ્માતો નિવારવા અંગે ચર્ચા તેમજ જાહેર માર્ગ પર ઉભા થતાં વર્ક ઝોન પર રોડ એજન્સીએ ‘વર્ક ઝોન મેનેજમેન્ટ પ્લાન’ બનાવી જિલ્લા રોડ સેફ્ટી પાસે મંજૂર કરવાના ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હુકમ અંગે તેમજ તડ-પાલડી રોડ પર રબલ સ્ટ્રીપ અને સ્પીડબ્રેકર મૂકવા તેમજ ઉના-ભાવનગર હાઈવે પર યુ-ટર્ન અને અનધિકૃત કટ દૂર કરવા જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી માર્ગ સલામતિ જાગૃતિ અંગે શેરીનાટકો તેમજ વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ આવે એ રીતે પ્રયાસ કરવા તેમજ તથા સઘન એન્ફોર્સમેન્ટ અંગે, અનધિકૃત પાર્કિંગ પર પ્રતિબંધ, જિલ્લા/શહેરના માર્ગો પરની સ્ટ્રીટ લાઈટની જાળવણી તેમજ રોંગ લેન ડ્રાઈવિંગ ન થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ મિટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, ઉના પ્રાંત અધિકારી જે.એમ.રાવલ સહિત આરટીઓ, શિક્ષણ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.
