ગુજરાત ભૂમિ, સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો ભવ્ય શુભારંભ થયો છે. શ્રાવણના પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે. જેનો લાભ લઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે.
શ્રાવણ શુક્લ દ્વિતીયા ના અવસર પર સોમનાથ મહાદેવને શિવજીને સર્વાધિક પ્રિય એવા બિલ્વપત્ર નો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના આ વિશેષ શ્રૃંગારમાં 1.25 લાખ થી વધુ બિલ્વપત્ર ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રૃંગાર માં ગુલાબ ગલગોટા ના ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર ચંદન અને ભસ્મ નો લેપ લગાવવામાં આવ્યો હતો જેના કેન્દ્રમાં ત્રીનેત્રધારી મહાદેવને ત્રણ બિલ્વપત્ર સુશોભિત કરવામાં આવ્યા હતા.અંદાજિત ૪ કલાકની મેહનતથી શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂજારી શ્રીઓ એ સાથે મળી આ અલૌકિક શ્રૃંગાર તૈયાર કર્યો હતો.
બિલ્વપત્રના મહત્વ અંગે જગતગુરુ શંકરાચાર્ય દ્વારા બિલ્વાષ્ટકમ માં પ્રથમ શ્લોકમાં જ કેહવામાં આવ્યું છે કે
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधम्।
त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्।।
એટલે કે ત્રણ દલ વાળું બિલ્વપત્ર ત્રિનેત્ર ધારી મહાદેવને અર્પણ કરવાથી ત્રણ જન્મ ના પાપ નો નાશ થાય છે.
ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસુધૈવ કુટુમ્બકમની સનાતન વિચાર ધારા હેઠળ વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને સવા લક્ષ બિલ્વ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.