ગુજરાત ભૂમિ, સોમનાથ
સોમનાથ મહાદેવના ના સાનિધ્યે ભગવાન શિવની અને શ્રી કૃષ્ણની પાવન પવિત્ર અને પ્રીય ભૂમિ પર ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના છઠા દિવસે ભક્તો કથારસ માટે ઉમટી પડ્યા હતા. કથા શ્રવણ નો પુનીત લાભ લેવા સંસ્કૃત વિદ્વાન નરેન્દ્રભાઇ પંડ્યા, પંકજભાઇ રાવલ સહિત બહોળી સંખ્યામાં ભક્તોએ કથા રસપાન કરેલ હતું.
કથાના અંશો-
ગોવર્ધન પૂજા થી ઇન્દ્રદેવ ક્રોધિત થાય છે, મેઘોને કહી ખુબ વર્ષા વ્રજ પર કરવાનું કહે છે, ગભરાયેલ વ્રજવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ઇન્દ્રદેવ યજ્ઞ ન થતા કોપ્યા છે, હવે મૃત્યુ નિશ્ચિત છે. પ્રત્યુત્તરમાં શ્રી કૃષ્ણ કહે છે કે, ગોવર્ધન ની આપણે પૂજા કરી છે તે આપ સૌ ને બચાવશે. સૌ ગોવાળો ને લાકડીના ટેકે ગોવર્ધન ઉંચો કરવા કહે છે, ગોવાળોમાં અહમ આવે છે કે અમારા દ્વારા ગોવર્ધન ઉચકાય છે પ્રભુ આ ભાવ દુર કરવા લીલા કરે છે અને ગોવર્ધન ગોવાળો પર પડવા લાગે ત્યારે પ્રભુ પોતાની ટચલી આંગળી દ્વારા ગોવર્ધન ને ધારણ કરે છે, અને સાત દિવસ સુધી પુષ્કળ વરસાદ વ્રજભૂમિ પર થાય છે, પ્રભુ અચળ ગોવર્ધન ધારણ કરી ઉભા રહે છે. ઇન્દ્ર દેવ વર્ષા રોકાવી પ્રભુ ની ક્ષમા માંગે છે. અને વ્રજવાસીઓ ભગવાનને ગોવર્ધનનાથ તરીકે પૂજા કરે છે, અને કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરે છે.
ઇશ્વર અને સંત ફળ ત્યારે જ આપે છે, જ્યારે આપણામાં તેઓની તરફ શરણાગતિ નો ભાવ આવે. આજે કથામાં ગોવર્ધન કથા, શ્રી કૃષ્ણનું વૃંદાવન થી મથુરા પ્રયાણ, અને રૂક્ષ્મણી વિવાહ સહિતા પ્રસંગો નું રસપાન કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ એ કરાવેલ અને રૂક્ષ્મણી વિવાહ ની પૂજાવિધિ શ્રી સોમનાથ મંદિરના પૂજારી ગણ દ્વારા સંપન્ન કરાવવા માં આવેલ, જે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના યજમાન પદે કરવામાં આવેલ હતી.