ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આજરોજ અમૃત આવાસોત્સવ ની ઉજવણી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે વર્ચુઅલ માધ્યમ થીકરવામાં આવી. જેમાં ૧૯૪૬ કરોડના ફુલ ૪૨૪૪૧ આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કવાંટ તાલુકાના માંણાવંટમાં જીલ્લા કક્ષાનો આવસોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા વિકાસ અધિકારી, જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા, ટીડીઓ, કવાંટ, નાયબ નિયામક, ડીઆરડીએ, માંણાવંટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ વગેરે સભ્યો આ વર્ચુઅલ સમારંભમાં અહીંથી જોડાયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૨૩૩ ગામોમાં બનાવવામાં આવેલા ૫૮૬ આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ લાભાન્વિત થનારા ગરીબ પરિવારોના ચહેરા ઉપર ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાનું સ્મીત જોવા મળ્યું હતું. અહીં સ્થાનિક કક્ષાએ અધિકારીઓ અને પદાધિકારીઓ કવાંટ તાલુકાના માંણાવાંટ ગામેથી વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. જેમાં આવાસના લાભાર્થી કાંતાબેન ભગવાનભાઈ રાઠવા સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો અને કાંતાબેને તેમની હળવી શૈલીમાં પ્રધાનમંત્રીને કવાંટ આવવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને કવાંટના રાજેન્દ્ર મુનીને પણ યાદ કર્યા હતા.
કાંતાબેન ઉપરાંત માંણાવાંટના રાઈલાબેન કુતરભાઈ રાઠવા તેમજ હિમતભાઈ નારણભાઈ રાઠવાને આવાસ મળ્યા હતા. તેમના પત્ની અને એક દીકરી એમ પરિવારના ત્રણેય સભ્યોની આંખોમાંથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં જ હર્ષાશ્રુની નદી વહવા લાગી હતી. આ પરિવારે જણાવ્યું કે અમે પહેલા માટીના કાચા મકાનમાં રહેતા હતા. પાકું મકાન બનાવવાની કોઈ સ્થિતિમાં નહોતા. પણ સરકારે સહાય કરતા હવે આવા સરસ મકાનમાં રહેવાની અમારી મહેચ્છા પૂર્ણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ યોજનાના અમલથી રાજ્યના ગ્રામ વિસ્તારના તમામ ઘરવીહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૪ સુધીમાં પોતાના સ્વપ્નનું ઘર મળી રહે તેમ જ તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે આ યોજના થકી ઘરવિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા કુટુંબોને ઓછામાં ઓછું ૨૫ સ્ક્વે. ફીટ નો એક રૂમ રસોડું શૌચાલય અને બાથરૂમ સાથેના પાકા આવાસનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૧૬થી લઈ અને અત્યાર સુધીમાં કુલ ૪૬૫૫૧ આવાસનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે જે પૈકી ૪૩૦૨૪ આવાસોને મંજૂર કરવામાં આવેલા છે જેમાંથી ૩૦૬૮૬ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે આ યોજના હેઠળ બાંધકામનો પ્રથમ હપ્તો મળ્યા અને છ માસની અંદર જો આવાસનું બાંધકામ પૂર્ણ કરવામાં આવે તો મુખ્યમંત્રી પ્રોત્સાહન યોજના હેઠળ લાભાર્થીઓને રૂપિયા ૨૦ હજારની રકમ ચૂકવવામાં આવે છે આપણા જિલ્લામાં ૨૦૧૮-૧૯માં કુલ ૨૮૪ લાભાર્થીઓને આવી પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવેલ છે.