ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રોત્સાહિત કરવાનો ઉત્તમ પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીની પસંદગી થતા સમગ્ર શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સરકારના ભાર વિનાના ભણતર સૂત્રને સાકાર કરવાની સાથે શાળામાં વિધાર્થીઓને શારીરિક, માનસિક, વ્યવસાલયક્ષી શિક્ષણની સાથે ઘડતર થઈ રહ્યું છે. શાળા દરેક સુવિધાઓથી સજજ છે. જેનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા શિક્ષ્ણા અધિકારીની કચેરીથી ડી.ઈ.ઓ., ડી.પી.ઈ.ઓ., ડાયેટના પ્રાચાર્ય, અન્ય ક્લાસ ટુ અધિકારી, સંકુલના પ્રતિનિધિ તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ની ટીમ બનેલી હોય છે. નિર્ધારિત ફોર્મેટના ચાર વિભાગો અંતર્ગત કુલ ૭૬ પ્રકારના માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્રાપ્ત થતાં ખત્રી વિદ્યાલય પરિવારને નગરજનોએ વિદ્યાર્થી વાલીઓએ આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. શાળા શિક્ષણ વિભાગનું સંચાલન કરતા ટ્રસ્ટી મંડળે સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા ઈશ્વર કૃપા, મેનેજમેન્ટની હુંફ, શિક્ષણ વિભાગનું માર્ગદર્શન, શિક્ષકોની યથાર્થ અને અથાગ મહેનત અને વાલી વિદ્યાર્થીઓના સહકારને કારણે જ પ્રાપ્ત થઈ શકી છે તેમ આચાર્ય યુ.વાય. ટપલા અખબાર યાદીમાં જણાવે છે. ટૂંક સમયમાં જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શાળા ના આચાર્ય, શિક્ષકો અને ટ્રસ્ટી મંડળનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવશે તથા ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.