ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ (૨૦૨૩) જે ગુલમર્ગ, કાશ્મીર ખાતે તા. ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ હતી. તે બરફ પર રમાતી ભારતની સૌથી મોટી ઇવેન્ટ હતી, જે મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર એન્ડ સ્પોર્ટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તથા જમ્મુ એન્ડ કાશ્મીર સપોર્ટ કાઉન્સીલ દ્વ્રારા યોજવામાં આવી હતી. જેનો શુભારંભ ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે કરવામાં આવેલ હતો. ભારત જેવા દેશ માં સામાન્ય રીતે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી. વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે. મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય છે ત્યાં આ પ્રકારની રમતો બહુ સામાન્ય છે અને મોટાપાયે રમાતી હોય છે. ભારતમાં ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ જેવી ઇવેન્ટ દ્વારા આવી રમતો વિશે જાગૃતિ ધીમે ધીમે આવી રહી છે. આ પ્રકારની બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યું છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ થર્ડ એડિસન ૨૦૨૩ ,જે ગુલમર્ગ કશ્મીર ખાતે યોજાયેલ હતી તેમાં સ્કીઈંગની સ્પર્ધામાં ભાગ લેનાર નચિકેતા ગુપ્તા એક માત્ર ખેલાડી હતા . ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર (વર્ગ-૨, ગેઝેટેડ) તરીકે ફરજ બજાવતાં નચિકેતા ગુપ્તા એ ગુલમર્ગ કશ્મીર ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં સ્કીઇંગ કોમ્પીટીશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમતી રમતમાં નવીન કેળી કંડારી છે. આ તબક્કે એ નોંધવું ઘટે કે ગુજરાત રાજ્યનું સ્કીઇંગ કોમ્પીટીશનમાં ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. આ વર્ષે ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશન મારફતે નચિકેતા ગુપ્તા નું નામ આ સ્પર્ધા માટે મોકલવામાં આવેલ હતું. ગત વર્ષે પણ નચિકેતા ગુપ્તા એ ઉત્તરાખંડના ઔલી ખાતે યોજાયેલ નેશનલ સ્કી એન્ડ સ્નોબોર્ડ ચેમ્પિયનશીપ માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્કીઇંગ કોમ્પીટીશનમાં બે પ્રકાર ની રેસ હોય છે. સ્લાલોમ તથા જાઈન્ટ સ્લાલોમ. જાઈન્ટ સ્લાલોમ માં બરફના ખુબજ લાંબા સ્લોપ તથા ખુબજ આકરા ઢાળવાળા સ્લોપ ઉપર ૫૦ થી પણ વધુ વાંકાચુંકા અવરોધો સ્વરૂપ ગેઇટમાંથી અત્યંત ઝડપથી પસાર થવાનું હોય છે જ્યારે અન્ય સ્લાલોમ માં એ જ બરફનો સ્લોપ હોય છે જે કપરા ઢાળના કારણે વધુ મુશ્કેલ બને છે જેમાં અવરોધો સ્વરૂપ કરવામાં આવતી ગેઇટની ગોઠવણી રેસને ખુબજ મુશ્કેલ અને આકરી બનાવે છે. તેથી જ આ રેસ સ્પર્ધાની દૃષ્ટિએ મુશ્કેલ સિદ્ધ થતી હોય છે. આ બન્ને સ્પર્ધામાં જો એક પણ ગેઇટ ચુકી જવાય તો સ્પર્ધકને ડીસક્વાલીફાઈ ગણવામાં આવે છે અને સ્પર્ધાથી બહાર કરવામાં આવે છે.
નચિકેતા ગુપ્તાએ આ બંને રેસમાં ખુબજ કુશળતાપૂર્વક બોડી બેલેન્સ અને સ્પીડ જાળવી રાખી તથા ઓછા અને ખુબ સારા સમયમાં એક પણ વાર પડ્યા વગર તથા બધા ગેઇટ ક્રોસ કરીને સફળતાપૂર્વક બંને રેસ ક્વાલીફાઈ કરી છે. નચિકેતા ગુપ્તાએ આ બાબતની બેઝીક તાલીમ હિમાચલપ્રદેશનાં અટલ બિહારી વાજપેઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ અને એલાઈડ સ્પોર્ટ્સથી તેમજ એડવાન્સ કોર્સ જવાહર ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ અને વિન્ટર સ્પોર્ટ્સથી મેળવેલ છે. જે રાજ્યોમાં બરફાચ્છાદિત પહાડો નથી એવા રાજ્યોનાં સ્પર્ધકો માટે આ સ્પર્ધા વિજેતા થવા માટે નહી પરંતુ તે સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેવા માટેની પણ એક કસોટી હોય છે. કહેવું જોઈશે કે ગુજરાતનાં આ સ્પર્ધકે જહેમતથી કામ પાર પાડયું છે. જ્યારે કેટકેલાય રાજયોનાં સ્પર્ધકો આ સ્પર્ધામાં ક્વાલીફાઈ પણ ન થઈ શક્યા હોય ત્યારે તેમની સામે ગુજરાતનાં આ સ્પર્ધકે રાજ્યનું નામ રોશન કરી ઉજળા ભવિષ્યની આસ બંધાવી હોય તો એ સમસ્ત રાજ્ય અને રાજ્યનાં બધાં જ રમતવીરો માટે ગૌરવની વાત છે. નચિકેતા ગુપ્તા આ માટે અભિનંદન ને પાત્ર છે. આશા કરીએ કે ભવિષ્યમાં અન્ય રમતવીરો પણ આ પ્રકારનાં ન ખેડાયેલા ક્ષેત્રોમાં જંપલાવે અને ગુજરાત ને સોનેરી મેડલો લાવી આપે.