ગુજરાત ભૂમિ, બનાસકાંઠા
વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ નું હૃદય અવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે. અંબાજીની પાવન ભૂમિમાં આ અનેરો અવસર ઉજવાશે ત્યારે અરવલ્લીના ડુંગરાઓમાં ભક્તિનો અનેરો સંગમ સર્જાશે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રધ્ધાળુઓ ૨.૫ કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર તમામ ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો ને નિહાળવા તથા પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદ ગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે.