ગુજરાત ભૂમિ, ભુજ
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે.
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.
મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય બાબત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કચ્છનું રણ વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છને એક સમૃદ્ધ પ્રવાસન અર્થતંત્ર બનાવવાના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રયાસોને કારણે, કચ્છે તેના વાયબ્રન્ટ પ્રવાસન અર્થતંત્ર અને સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાને કારણે વૈશ્વિક પ્રવાસન નકશા પર એક છાપ ઉભી કરી છે.
TWG હેઠળ વધુ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-1 સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહેશે. UNWTOના ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટીટીવનેસના વડા સુ સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરશે. UNWTO દ્વારા ‘પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં પ્રવાસનના યોગદાનને કેવી રીતે સમર્થન આપી શકે’ તે વિષય પર એક પેનલ ડિસ્કશન કરશે. વક્તાઓમાં UNEP, ABD, ILO તેમજ ઇન્ડોનેશિયા, ઇટલી, સાઉથ આફ્રિકા, સ્પેન, જાપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
7 ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પધારેલા પ્રતિનિધિઓને કચ્છના સફેદ રણની મુલાકાત લેવાનો મોકો મળશે. માનનીય મુખ્યમંત્રી પ્રતિનિધિઓ માટે કચ્છ વિસ્તારના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું અને ગાલા ડિનરનું આયોજન કરશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા 8 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 5 મુખ્ય મુદ્દાઓ પર વર્કિંગ સેશન્સ યોજાશે: 1) ગ્રીન ટુરિઝમ, 2) ડિજિટલાઇઝેશન, 3) કૌશલ્ય (સ્કિલ્સ), 4) ટુરિઝમ MSMEs અને 5) ડેસ્ટિનેશન મેનેજમેન્ટ.
9 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય પાર્ટિસિપન્ટ્સ કચ્છના સફેદ રણ ખાતે આયોજિત યોગ સેશનમાં હિસ્સો લેશે. ત્યારબાદ તેઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે.
9 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-2 ‘પ્રમોશન ઓફ આર્કિયોલોજીકલ ટુરિઝમ: ડિસ્કવરિંગ શેર્ડ કલ્ચરલ હેરિટેજ’ (પુરાતત્વીય પ્રવાસનનો પ્રચાર: સંયુક્ત સાંસ્કૃતિ વારસાની શોધ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સચિવ અરવિંદ સિંઘ આ બાબતે ઓપનિંગ રિમાર્ક્સ આપશે, જ્યારે મુખ્ય સંભાષણ યુનેસ્કો દ્વારા કરવામાં આવશે.
આ મીટિંગના છેલ્લા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ માટે પધારેલા પ્રતિનિધિઓ સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેક્ટની મુલાકાત લેશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2022માં સ્મૃતિવન મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 2001માં આવેલા ભૂકંપ પછીના ભુજની સફર આ સ્મારકમાં , સમૃદ્ધ હડપ્પન સંસ્કૃતિ, ધરતીકંપનું વિજ્ઞાન તેમજ ગુજરાતનો વારસો, સંસ્કૃતિ અને કલાને દર્શાવતી પ્રસ્તુતિઓના રૂપમાં વર્ણવવામાં આવી છે. અહીંયા, કંટ્રોલ રૂમ મારફતે રિયલ ટાઇમ ઇમરજન્સીની પરિસ્થિતિઓને પણ વર્ણવવામાં આવી છે