ગુજરાત ભૂમિ, ભુજ
દુશ્મનોની આંખમાં આંખ મીલાવીને વાત કરનારૂ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચાલતું નવું ભારત છે. ત્યારે દરેક દેશવાસી, રાજયવાસી તથા કચ્છવાસી દેશના વિકાસ યજ્ઞમાં સમાજસેવા, પર્યાવરણનું રક્ષણ, વ્યસન અને નાતજાતના ભેદભાવને તિલાંજલી, પ્રાંતવાદને નષ્ટ કરીને રાષ્ટ્રવાદને ઉજાગર કરતી વસુધેવ કુટુમ્બકમની ભાવના સાથેના પવિત્ર વિચારોની આહુતિ આપે તેવી અપીલ ભુજના સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છના પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ કરી હતી.
આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ ૧૧ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૪માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, કચ્છની ભુમિએ ઘણું સહન કર્યું છે, આમછતાં હંમેશા ખમીર દર્શાવીને આખા વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છની આંગળી પકડીને તેને આખા વિશ્વમાં ચમકાવ્યું છે. ત્યારે આ ખમીરવંતી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની ભુમિની કચ્છીપ્રજાને હું વંદન કરુ છું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે કશ્મીર થી કન્યાકુમારી સુધી આઝાદીના અમૃતફળ ભારતવાસીઓ ચાખી રહ્યા છે. પૂજય બાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર સાવરકર જેવા અનેક વીરલાઓના પ્રતાપે આજે દેશવાસીઓ આઝાદ ભુમિ મેળવી શક્યા છે. ત્યારે આજે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ એક દિશા, એક દષ્ટિ અને અને એક વિચારથી પોતાની આગવી શૈલીથી પ્રગતિ કરીને આત્મનિર્ભર બનવા તરફ ડગ માંડી રહ્યો છે. આજે ભારત આંતકવાદ, દુશ્મનોના પ્રોકસીવોર જેવા અનેક આધાતો સહન કરીને પણ મજબુત બનીને ઉભો છે. વીરજવાનો દરેક મોરચે મુંહતોડ જવાબ આપવા સક્ષમ છે. પ્રભારીમંત્રીએ દરેક નાગરીકને નવા ભારતના નિર્માણ માટે દરેકના વિકાસની પરિકલ્પના સાથે પોતાનું કર્મ નિભાવવા તથા શુભચિંતન સાથે રાષ્ટ્રવાદને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. આ તકે મંત્રી દ્વારા ભુજ તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો. આ તકે મંત્રી સાથે કલેકટર દિલીપ રાણા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ બાદ પરેડ કમાન્ડર વાય.જી.ઉપાધ્યાયની આગેવાની હેઠળ વિવિધ ૧૧ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી.
આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જયો હતો. દેશભક્તિ ગીત ” હે જન્મભૂમિ ભારત હે”, સમુહ નૃત્ય ”હર ઘર તિરંગા”, અભિનય ગીત ”વંદન તુજે મા ભારતી”, રાસ ”રાણો અચિન્ધો”, દેશભક્તિ ગીત ”ભારત અનોખા હમારા હે ” ઉપરાંત બેન્ડ સુરાવલી સાથે ‘વંદે માતરમ’ ની પ્રસ્તૃતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઇ હતી. આ પ્રસંગે એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તકાલિન સ્થિતિમાં કરાતી બચાવ કામગીરી અંગે નિદર્શન કરાયું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ૯ ટેબ્લો રજૂ કરાયા હતા. આ તકે પ્રભારીમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિધ્ધહાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. આ સાથે મહાનુભાવોએ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો.
ભુકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં બનેલા ચેકડેમ ખાતે મંત્રીએ અંજલી અર્પી હતી. આ સાથે વિવિધ ચેકડેમ ખાતે દિવંગતોના સ્વજનો દ્વારા પણ પુષ્પાંજલી અર્પિત કરાઇ હતી. પરીવારજનોએ આ તકે સ્મૃતિવન ખાતે ૧૨ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે વહેલી સવારે સનપોઇન્ટ સુધી ગણતંત્ર દિન નિમિત્તે શ્રધ્ધાજંલી વોક યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભુજવાસીઓએ ભાગ લીધો હતો.
આ તકે દેશભકિતના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, માલતીબેન મહેશ્વરી, અનિરુધ્ધભાઇ દવે, પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ધનશ્યામભાઇ ઠકકર, કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલ, બીએેસએફ મહાનિર્દેશક, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડયા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, અધિકારીઓ , કર્મચારીઓ તથા મીડીયા કર્મીઓ આ તકે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલા તથા મનન ઠક્કરે કર્યુ હતું.