ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
જીલ્લા ની મોડેલ સ્કૂલ ગોરખમઢી ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા એજ્યુ કેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં ૪૬ તેમજ માધ્યમિક વિભાગમાંથી ૪ ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતાં. ફેસ્ટિવલમાં ૫૭ ઇનોવેટર શિક્ષકોએ વિજ્ઞાન, ગણિત, સમાજ, અંગ્રેજી જેવા વિવિધ વિષયોમાંથી પોતાની કૃતિઓ રજૂ કરી હતી. જેમને ડાયેટ ગીરસોમનાથ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ તકે પ્રાચાર્ય વી.એમ. પંપાણીયા દ્વારા પોતાના ઉદબોધનમાં ઇનોવેશનના માધ્યમથી શિક્ષકોનો આઈડિયા સમગ્ર જિલ્લાની દરેક શાળા અને બાળક સુધી પહોંચે અને આવનારા સમયમાં ઇનોવેશનના માધ્યમથી શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી શકાય અને વિદ્યાર્થીઓનો પાયો સરળ રીતે વધુ મજબૂત બને એ માટેનું માર્ગદર્શન આપવામાં આવેલ. બે દિવસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઇનોવેશન ફેસ્ટિવલની મુલાકાત લીધી. જ્યારે ફેસ્ટિવલમાં ગત વર્ષ ૨૦૨૧/૨૨માં અવ્વલ આવેલ કૃતિઓના શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વાળાએ કર્યુ હતું તેમજ કાર્યક્રમમાં ડાયેટ જુનાગઢ લેક્ચરર બી.કે.મેસિયા અને કાશ્મીરાબહેન, પ્રાથમિક શિક્ષક સંઘ ગીર સોમનાથ મહામંત્રી ચાંડેરાભાઈ, વેરાવળ બીઆરસી કો.ઓ.સોલંકીભાઈ, સુત્રાપાડા બીઆરસી કો.ઓ.બારડભાઈ અને ઉના બીઆરસી કો.ઓ. ચંદ્રેશભાઈ તેમજ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.