ગુજરાત ભુમિ ન્યુઝ, ભુજ
અદાણી સ્કીલ ડેવલપમેન્ટ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ધો ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મિરજાપર સરકારી શાળા ખાતે કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્માની પ્રેરણાથી વિદ્યાર્થીઓને સફળતાના પંથે આગળ વધવા ઉપલબ્ધ તમામ તકો અંગેની વિસ્તૃત માહિતી આપતા આ આયોજનમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી કચ્છના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ રિષી જોશીએ માહિતી પૂરી પાડી હતી. કયો પ્રવાહ પસંદ કરવો, મનપસંદ વિષયોની પસંદગી, રોજગારીની પ્રાપ્ત તકો તથા જે તે વિષયમાં મુંજવતા પ્રશ્નોના સરળ જવાબો આપીને ડૉ. રીષીએ બાળકોને સંબોધ્યા હતા. આ સાથે અદાણી સ્કીલ ડેવલપમેન્ટના ડૉ પૂર્વી ગોસ્વામીએ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં સફળ કારકિર્દી નક્કી કરવી સહેલી નથી, તે મહેનત સાથે હિંમત, જ્ઞાન અને કૌશલ્યના સમન્વય થકી હાંસલ કરી શકાય છે. આચાર્ય ઘનશ્યામ નાકર શાળા પરિવાર વતી સૌનું શાબ્દિક સ્વાગત તથા અંજનાબહેન મીરાણીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નહેરુ યુવા કેન્દ્ર તથા મિરજાપર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.