ગુજરાત ભૂમિ, ભાવનગર
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના મુજબ ૨૫ મી જાન્યુઆરી ને સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં તમામ વયમર્યાદાવાળા તમામ જ્ઞાતિના સમુહને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષ તરીકે ભાગ લે તે માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાને તમામ લોકોને અનુકૂળ આવે તેવી સુગમ બનાવવામાં આવેલ છે. જેથી તેમાં તમામ લોકો સહજ અને સરળ રીતે સહભાગી બની શકે છે.
ચાલુ વર્ષે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ૧૩ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની થીમ “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવેલ છે. આજનાં દિવસે યુવા મતદારો મતદરયાદીમાં નામ દાખલ કરવા માટે કે સુધારો વધારો કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મનો વધારે ને વધારે ઉપયોગ કરે તે માટે ભાર આપવામાં આવે છે. મતદારો વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન, વોટર પોર્ટલ એન.વી.એસ.પી પોર્ટલનો ઉપયોગ કરી પોતાનું નામ નોંધાવવું, નામમાં સુધારો વધારો કરવો, નામ રદ કરવો વગેરે ફોર્મ્સ ભરી શકે છે.
આ વર્ષે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટ ડી.કે.પારેખના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે તા. ૨૫ જાન્યુઆરીને બુધવારના રોજ બપોરે ૧.૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે.