જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા
છોટાઉદેપુર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે આયોજિત ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે મતદાન મથક પરની કામગીરી, ઈવીએમ હેન્ડલિંગ અને કાયદો-વ્યવસ્થાના ચુસ્ત પાલન અંગે સ્ટાફને જરૂરી ટેકનિકલ સૂચનો આપી ક્ષતિરહિત કામગીરી કરવા તાકીદ કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬માં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે બોડેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે કાર્યરત કરવામાં આવેલા ટપાલ મતપત્ર ફેસિલીટેશન સેન્ટરની અધિકારીએ મુલાકાત લીધી હતી. તેમણે મતદાનની ગોપનીયતા જળવાય અને પ્રક્રિયા સુગમ બને તે માટે સેન્ટરના ઈન્ચાર્જ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ મુલાકાતના અંતિમ ચરણમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ બોડેલી નગરપાલિકા તથા પંચાયતોના સ્ટ્રોંગરૂમ, ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્ર (Counting Center)ની જાત-મુલાકાત લીધી હતી. તેમણે ઈવીએમ મશીનોની સુરક્ષા, સીસીટીવી સર્વેલન્સ, ફાયર સેફ્ટી અને મતદાન બાદ મશીનો સ્વીકારવાની પદ્ધતિ અંગે સમીક્ષા કરી હતી. મતગણતરી કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા અને જરૂરી સુવિધાઓ સત્વરે પૂર્ણ કરવા તેમણે સૂચના આપી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
