ગુજરાત ભૂમિ, ભુજ
કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ”સ્કીમ ઓફ એવોર્ડે ધ ગુડ સમરિટન”નું ગુજરાત સરકાર દ્વારા રી-લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અકસ્માતમાં ઇજા પામેલા લોકોને પ્રથમ એક કલાક એટલે કે
” ગોલ્ડન અવર ”માં જો કોઇ વ્યકિત હોસ્પિટલ પહોંચાડે તો તેને સરકાર દ્વારા ગુડ સમરિટન એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે. ત્યારે આ પ્રકારની માનવતા મહેકાવતી કામગીરી વર્ષોથી કોઇપણ સ્વાર્થ કે લાભ વિના ગાંધીધામના રાજભા ગઢવી કરી રહ્યા છે. સાચા અર્થમાં તેઓ હિરોની ભુમિકા ભજવી રહ્યા છે. જે સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. માનવતાને નવી ઉંચાઇએ લઇ જનાર રાજભાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ”ગુડ સમરિટન” એવોર્ડ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
તેઓએ વાત કરતા જણાવ્યું હતું કે, સ્વ.શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટનું તેઓ સંચાલન કરી રહ્યા છે. અત્યારસુધી કચ્છ અને આસપાસના વિસ્તારમાં થયેલા અકસ્માત સમયે ૫૪ જેટલા લોકોના જીવ બચાવ્યા છે. અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યકિત માટે પ્રથમ કલાક ખુબ જ મહત્વપુર્ણ હોય છે. જો તે સમયમાં તેને તત્કાલ પ્રાથમિક સારવાર મળી જાય તો જીવ બચી શકે છે. પરંતુ આજના સમયમાં કાયદાકીય ભય કે સમયના અભાવે લોકો ઇજાગ્રસ્ત લોકોની મદદ આવતા નથી. ત્યાંથી ચુપચાપ નીકળી જાય છે અથવા તો ઉભા રહીને ટ્રાફીક જામ કરે છે તેમજ મોબાઇલથી રીલ બનાવીને પોતાની ફરજ પુરી કરી હોય તેવું કાર્ય કરે છે. જે માનવતાને શરમાવે છે.
મારી અપીલ છે કે, આવા સમયે દરેક નાગરીકે મુસીબતમાં મુકાયેલા અકમાસ્તગ્રસ્તોની વ્હારે આવવું જોઇએ. તમામ અંગત કામ છોડીને પ્રથમ તેઓને હોસ્પિટલ પહોંચાડવા જોઇએ. જેથી કોઇના કુળદિપકને ને કોઇના પરીવારના આધારને બચાવીને આપણે આખા પરીવારનો માળો પીંખાતો બચાવી શકીએ છીએ.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્ર સરકારની આ યોજનાને બિરદાવીને ઉમેર્યું હતું કે, આ સ્કીમના કારણે તથા લોકોમાંથી કાયદાના ભયને દુર કરીને તેમને પ્રોત્સાહિત કરવા કરાતા આ પ્રયાસથી અનેક લોકો ભય વિના અકસ્માતગ્રસ્તોની વ્હારે આવશે અને અનેક માનવજીંદગી બચી જશે.