ગુજરાત ભૂમિ, દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ગઈ રાત્રે એક અનોખી અને આનંદદાયી ઘટના બની હતી. માત્ર એક જ રાતમાં કુલ 10 ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે આખું દવાખાનું નવજાત શિશુઓની કિલકારીઓ ગુંજી ઉઠયુ અને સમગ્ર દવાખાનામાં આનંદમય માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉ. સી.એમ. મછારે જણાવ્યું કે, “આ સફળતાનો તમામ શ્રેય સમગ્ર તબીબી ટીમની મહેનત, સમર્પણ અને એકતાભાવને જાય છે. અમારી ટીમે દિવસ-રાત વિના વિરામ સખત અને સતત મહેનત કરીને તમામ માતાઓ અને નવજાત શિશુઓને સુરક્ષિત રીતે સંભાળ્યા.”ઉલ્લેખનીય છે કે આ 10 પ્રસવોમાંથી 2 ડિલિવરી ઓપરેશન દ્વારા અને બાકીની સ્વાભાવિક રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. દરેક માતા અને નવજાત શિશુ હાલ સ્વસ્થ છે. લીમખેડા CHC છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ત્રી આરોગ્ય, માતૃત્વ અને બાળસંભાળ સેવાઓ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ તાજેતરની ઘટના તે પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.
ડૉ. મછારે વધુમાં ઉમેર્યું કે, “આ સફળતા અમારા તમામ તબીબી, નર્સિંગ તથા સહાયક સ્ટાફના સમૂહ પ્રયાસોનું પરિણામ છે. આ આનંદના પળો અમારી ટીમને વધુ પ્રેરણા આપે છે.” આ પ્રસંગે સ્થાનિક લોકો, આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
