ગુજરાત ભૂમિ, ભુજ
ભુજ ખાતે આગામી દિવસોમાં આયોજિત બીએસએફના સ્થાપના દિવસની કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પધારેલા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ ટીમ કચ્છના સ્પીરીટને બિરદાવીને ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને અભૂતપૂર્વ ગણાવ્યું હતું. બીએસએફ ડીજીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો બીએસએફ તેમજ અન્ય લશ્કરી દળોને સહયોગ, સમયસૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગૃતિ, લોજિસ્ટિક તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રસંશનીય ગણાવ્યો હતો. ભુજ કોડકી બીએસએફ હેડક્વાર્ટર ખાતે ડીજીશ્રીએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટીતંત્ર કચ્છની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. બીએસએફ ડીજી દલજીત ચૌધરીએ કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાને પ્રશસ્તિપત્ર એનાયત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
બીએસએફના ડીજીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સીમા સુરક્ષા દળને તમામ મદદની તૈયારીઓ, લોજિસ્ટિક સપ્લાય માટે વહીવટી તંત્રની સમયસૂચકતાને નોંધપાત્ર ગણાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સેના સાથે ખભેખભા મિલાવીને તમામ સહયોગ આપવા બદલ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ તેઓની ભુજ ખાતેની મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાને અભિનંદન પાઠવી “ટીમ વર્ક”ની પ્રસંશા કરી હતી.
