ગુજરાત ભૂમિ, બોટાદ
આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જેને અનુલક્ષીને આજરોજ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાની વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ઉક્ત બેઠકમાં કાર્યક્રમના સ્થળે સ્ટેજ વ્યવસ્થા, મંડપ, બેઠક વ્યવસ્થા, એટહોમ કાર્યક્રમમાં પોડીયમ, મેગા ઈવેન્ટ, લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ઉપરાંત બોટાદ શહેરને રંગરોગાન અને લાઈટીંગથી સજાવવા બાબતે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવાની સાથે જિલ્લાના અન્ય પ્રશ્નો બાબતે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ વેળાએ ધારાસભ્ય મહંત શંભુપ્રસાદ ટુંડીયા એ પ્રજાસત્તાક પર્વની તૈયારીઓને અનુલક્ષીને જરૂરી સુચનો કર્યાં હતાં. આ બેઠકમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઇ બળોલિયા, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.