હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ કલેક્ટર કચેરી ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અનુદાન આપનાર નાગરિકો, સંસ્થાઓ, સરકારી વિભાગો દાતાઓને કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને અન્ય મહાનુભાવોનાં વરદ હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કલેક્ટર દ્વારા ધ્વજદિન ભંડોળમાં લોકોનો સહયોગ અને અનુરૂપ વેગ મળી શકે અને જિલ્લામાં વધુમાં વધુ ફાળો એકત્રિત થાય તે બાબતે હાજર સૌને સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં દીનદયાળ પોર્ટ ઓથોરીટી, ગાંધીધામ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિનાં અધ્યક્ષને રૂ. ૧૦ લાખનો ચેક આ બેઠકમાં અર્પણ કરી સેના પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શિત કરી હતી.
આ કાર્યક્રમમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી એચ. એન. લીમ્બાચીયા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન વિશે વીડિયો ક્લીપ પ્રદર્શિત કરાઈ હતી. જિલ્લાના પૂર્વ સૈનિક સંગઠન દ્વારા ECHS સેવા અને CSD કેન્ટીન સેવાને વધુ સુદ્રઢ બનાવવા બાબતના પ્રશ્નોની ચર્ચા પણ સમિતિ સમક્ષ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળથી નિયુક્ત પેનલ એડવોકેટ પ્રવીર ધોળકિયા દ્વારા સેવારત અને પૂર્વ સૈનિકો તથા તેઓના પરિવારને મળતી નિ:શુલ્ક કાનૂની સહાયની યોજના બાબતે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના મુખ્ય કારકુન સંજય પંડ્યા, જુનિયર કારકુન બિસ્મિલ્લાહખાન પઠાણ, કલ્યાણ વ્યવસ્થાપક, જોહન જયાસિંગ, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક ભાવિષાબેન અજુડિયા, ઓપરેટર જ્યોતિબેન તથા રિન્કુબેન જોશી વગેરેએ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.
