ગુજરાત ભૂમિ, દાહોદ
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને આવક વધારવા માટે મિશ્ર પાક પદ્ધતિ (સહજીવન) એક અત્યંત અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. આ પદ્ધતિમાં મુખ્ય પાકની સાથે કેટલાક સહજીવી પાકોનું વાવેતર કરવામાં આવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, પાકને રોગ-જીવાતથી રક્ષણ મળે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.
તો ચાલો જાણીએ, યોગ્ય સહજીવી પાકની પસંદગી કરવા માટે ધ્યાનમાં લેવાની બાબતો વિશે…..
પાકના પ્રકારને ધ્યાનમાં લો- જો મુખ્ય પાક એકદળ હોય, તો સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉં સાથે ચણા, સરસવ, મસૂર કે વટાણાનું વાવેતર કરી શકાય છે.મૂળની ઊંડાઈ- જે મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય, તેની સાથે એવા પાકનું વાવેતર કરવું કે જેનું મૂળ છીછરું રહે. ઉદાહરણ તરીકે, કપાસ અને તુવેર સાથે મગ કે અડદ વાવી શકાય.
પાકનો સમયગાળો- સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધા કે ત્રીજા ભાગના સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. આનાથી મુખ્ય પાકને પૂરતો સમય અને જગ્યા મળે છે. સપ્ટેમ્બરમાં વવાતી શેરડી સાથે બટેટા કે ચણા અને મગ અને અડદનું વાવેતર કરી શકાય.
ઝડપી વૃદ્ધિ અને જમીનનું આવરણ- સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ, જેનાથી નિંદણનો પ્રશ્ન ઓછો થાય છે. દાળ વર્ગના પાકો, તરબૂચ, ચીભડા અને કાકડી આ માટે ઉત્તમ વિકલ્પો છે.
પ્રકાશ સહનશીલતા- જો મુખ્ય પાક તિવ્ર સૂર્યપ્રકાશ સહન કરી શકતો હોય, તો સહજીવી પાક ઓછી સૂર્યપ્રકાશ સહનશીલતાવાળો હોવો જોઈએ. જેમ કે, શેરડી સાથે હળદર કે કપાસ સાથે મરચી. પાંદડા ખરવાની પ્રકૃતિ- મુખ્ય પાકના પાંદડાં ઓછા ખરતાં હોય, તો સહજીવી પાક એવો લેવો જોઈએ જેના પાંદડાં વધુ ખરતાં હોય. કઠોળ વર્ગના પાકો આ ગુણધર્મ ધરાવે છે અને જમીનમાં સેન્દ્રીય તત્વોનો ઉમેરો કરે છે.
મિત્ર કીટકોને આકર્ષિત કરતા પાક- મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો જેવા પાકોને સહજીવી પાક તરીકે વાવવાથી ખેતરમાં મિત્ર કીટકો આવે છે, જે મુખ્ય પાકને નુકસાન કરતા કીટકોનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
આમ, કૃષિ વાવેતર પદ્ધતિમાં આ મિશ્ર પદ્ધતિ અપનાવીને ખેડૂતો એક જ જમીનમાંથી અનેક પાકોનું ઉત્પાદન મેળવી શકે છે, જેનાથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ સાથે જ, આ પદ્ધતિ જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
