સારા ન્યુઝ, ભાવનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાતની સાથે ભાવનગરનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે ત્યારે પ્રાકૃતિક કૃષિના કેટલાંક વિશેષ પાસાઓ અંગે વિગતવાર જાણકારી મેળવીએ.આ પધ્ધતિ કુદરત, વિજ્ઞાન, અધ્યાત્મ તેમજ અહિંસા પર આધારિત શાશ્વત કૃષિ પધ્ધતિ છે.
આ પધ્ધતિમાં તમારે રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતર, અળસિયાનું ખાતર, તેમજ ઝેરી કીટનાશક, રાસાયણિક નીંદણનાશક દવાઓ, રાસાયણિક ફૂગનાશક દવાઓ નાખવાની નથી. ફક્ત એક દેશી ગાયની મદદથી તમે આ કૃષિ કરી શકો છો.
જમીન પિયત કે બિનપિયત હોય.આ પધ્ધતિમાં ફક્ત ૧૦ ટકા પાણી અને ૧૦ ટકા વીજળીની જરૂરિયાત છે. એનો અર્થ એ થાય કે ૯૦ ટકા પાણી અને ૯૦ ટકા વિજળીની બચત થાય છે.
આ પધ્ધતિમાં પાક ઉત્પાદન રાસાયણિક તેમજ સજીવ ખેતી પધ્ધતિથી વધારે થાય છે.આમપાક ઉત્પાદન ઝેરમુક્ત, ઊંચી ગુણવતાવાળું, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.
આ ગુણોને કારણે વપરાશકર્તા દ્વારા એની માંગ સારી હોવાના કારણે ભાવ સારો મળે છે.રાસાયણિક તેમજ સજીવ ખેતીથી મનુષ્ય, પશુ—પક્ષી, પાણી તેમજ પર્યાવણનો વિનાશ થાય છે.
જ્યારે પ્રાકૃતિક કૃષિથી આ બધાનો વિનાશ અટકે છે અને કુદરતી સંસાધનોની શાશ્વતતા વધે છે.
પ્રાકૃતિક કૃષિનું સૂત્ર છે. ‘ગામના પૈસા ગામમાં, શહેરનાં પૈસા ગામમાં’.આ બધા પાસાઓનો વિચાર કરીને દરેક ખેડૂતે પ્રાકૃતિક કૃષિ અને આધ્યાત્મિક કૃષિને અપનાવવી જોઈએ.
