ગુજરાત ભૂમિ, રાજપીપલા
સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહકાર ભવન, એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો. સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સમાં 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનાર 5 જિલ્લા કક્ષાની અને 5 તાલુકા કક્ષાની એવી કુલ 10 શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ તો હજી શરૂઆત છે. જેમ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે, તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ શ્રેષ્ઠતાની સિદ્ધિ મેળવી જિલ્લાનું નામ રાજ્ય અને દેશ કક્ષાએ ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરવાનું છે. તેમણે શિક્ષકોના શિક્ષણક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી અને અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્વ જણાવ્યું હતું. સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓથી જીવનમૂલ્યો ભણાવવાની વાત કરી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સૌએ સહયોગ આપવાની અપીલ કરી હતી. એવોર્ડ મેળવનાર શાળાના આચાર્યઓએ પોતાના અનુભવો પ્રતુત કરી શિક્ષણ કાર્યમાં પ્રગતિશીલ બનવા માટે કરાયેલા પ્રયત્નો અંગે વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ સ્વાગત પ્રવચનમાં સમગ્ર એવોર્ડ પ્રક્રિયા પૂર્વે હાથ ધરાયેલી કામગીરી અને પસંદગીની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ પટેલે સફળતાપૂર્વક કર્યું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના ડૉ. વસંતભાઈ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત, શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ તાલુકાના બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, એવોર્ડ વિજેતા શાળાના આચાર્યો, એસએમસી સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
