ગુજરાત ભૂમિ ,સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો, આશ્રમશાળાના નવીન મકાનો, સિંચાઈના વિવિધ કામો, રોડ-રસ્તાઓ અને આવાસો સહિતના કુલ રૂ. 479 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળ વર્ષ 2025-26માં કુલ 6.20 લાખથી વધુ લાભાર્થીઓને ₹125.36 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં વિકાસનો ઉજાસ પાથરતા આ અવસરે રમતગમત ક્ષત્રે પોતાની ઉત્કૃષ્ટતા ઝળકાવનાર આદિવાસી સમાજના રમતવીરોને સન્માનિત કરી, પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીને આજના આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી હતી.મુખ્યમંત્રીએ આ અવસરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીના 150મા વર્ષની તેમજ રક્ષાબંધનના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરોડો માતાઓ-બહેનોના કલ્યાણ માટે દિવસ-રાત કામ કરે છે. તેમણે ભગવાન બિરસા મુંડાના સામાજિક ઉત્થાન માટેના પ્રયાસો, તેમના આદર્શ વિચારો અને વીરતાનું સ્મરણ કરી, આદિવાસી વિસ્તારોમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ માનનીય વડાપ્રધાનના ‘લોકલ ફોર વોકલ’ના મંત્રને અનુસરી, આગામી તહેવારોમાં વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનોના વપરાશ માટેનો અનુરોધ કરી, આત્મનિર્ભરતા થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
