ગુજરાત ભૂમિ, બોટાદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઓક્ટોબર -૨૦૨૧માં લોન્ચ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ પી.એમ. ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને જિલ્લામાં ખૂટતી સુવિધાઓ તથા નવા પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણમાં આ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નો કેવી રીતે લાભ લઇ શકાય તે માટે બોટાદ ખાતે ગ્રાહક બાબતો, ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની ગાંધીનગર સ્થિત BISAG-N સંસ્થા દ્વારા પી.એમ. ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નું બોટાદ જિલ્લાના સંદર્ભમાં નિદર્શન કરવામાં આવ્યુ હતું.
નિદર્શન દરમ્યાન મંત્રીઓ ઉપસ્થિત તમામ પદઅધિકારીઓ તથા અધિકારીઓને જિલ્લાના સર્વાંગી વિકાસના અસરકારક, સચોટ તથા સમાવેશી વિકાસ આયોજન માટે આ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું.આ મીટિંગ અંતર્ગત રાજ્ય તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અપ-કમિંગ પ્રોજેક્ટ્સ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં BISAG-N સંસ્થાના અધિકારીશ્રીઓ તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલીયા સહિતના જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
