ગુજરાત ભૂમિ, ભાવનગર
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ કરાવતા લોક વૈજ્ઞાનિકશ્રી અરુણભાઈ દવેએ કહ્યું કે, નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે. આ પ્રદર્શનમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો વિવિધ કૃતિઓ સાથે ભાગ લીધો હતો.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વિભાગીય કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩ યોજાયું છે.
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આ પ્રદર્શનનું ઉદઘાટન કરતા લોકવૈજ્ઞાનીક અને લોકભારતી સંસ્થાના વડા અરુણભાઈ દવેએ વિજ્ઞાન વિશેના વિવેક અંગે ગાંધીજીના અભિપ્રાયનો ઉલ્લેખ કરી જણાવ્યું કે નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે, અન્યથા એ વિનાશ પણ નોતરી શકે છે. વિજ્ઞાન ઝાકઝમાળને બદલે રોજિંદા જીવનમાં માણસ તરીકે જીવી શકીએ તેવું હોવું જરૂરી છે આ માટે તેના માનવીય અભિગમ પર તેઓએ ભાર મૂક્યો હતો.
વિજ્ઞાન સંશોધન સંદર્ભે ‘તાંત્રિકી અને રમકડાં’ વિષય પરના બે દિવસના આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન રહેલા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ તેમના ઉદબોધનમાં વિજ્ઞાન એ મિત્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. વિજ્ઞાન સાથે ગણિત અને પર્યાવરણના વિષયને તેઓએ અનિવાર્ય ગણાવ્યો. વિદ્યાર્થીઓ માણસ તરીકે જીવી શકે અને યંત્રો હાવિ ન થઈ જાય તેવા વિજ્ઞાન માટેના અભ્યાસનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટે સ્વાગત ઉદબોધન કર્યું હતું, જ્યારે પ્રાસંગિક પરિચય સંસ્થાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ આપતા અહીંના કેળવણી મૂલ્યો વિશે વાત કરી હતી.
આ તકે ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિશિરભાઈ ત્રિવેદી, શિક્ષણ વિભાગના રમેશભાઈ ઉપાધ્યાય, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના પૂર્વ નિયામક નલીનભાઈ પંડિત, સંસ્થાના અગ્રણી રાજેન્દ્રસિંહ વાળા સાથે શિક્ષણ વિભાગના સંબંધિત કર્મચારીઓ અને શિક્ષકો જોડાયા હતા.