ગુજરાત ભૂમિ, જામનગર
જામનગરમાં ગત તા. ૧૮ માર્ચના રોજ મૂળ બિહારના ૪૦ વર્ષીય યુવક ઉમેશ શાહ અકસ્માતનો ભોગ બનતાં તેઓને સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પત્નીએ પોતાના પતિનું અંગદાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. તેમના નિર્ણય બાદ જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરી લીવર, બે કીડની અમદાવાદની હોસ્પીટલની ટીમને સોંપ્યા હતા. અને અને બન્ને ચક્ષુનો ઉપયોગ જી.જી. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ વ્યક્તિ માટે થશે. આમ પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળશે.
યુવકના પત્નીએ અન્ય લોકોને પણ અંગદાનની ઝૂંબેશમાં જોડાવા અપીલ કરી હતી. જામનગરની જી.જી.હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ બિહારના યુવકનો જામનગરમાં અકસ્માત થતાં તેઓની ૧૦ દિવસથી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી યુવકની તબિયત બગડી ગઈ હતી અને બ્રેઈન ડેડ હતા. તેમના પરિવારને આ અંગે જાણ કરવામાં આવતાં યુવકના પત્નીએ પોતાના પતિનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.

આથી જીલ્લા કલેકટર કેતન ઠક્કર અને જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત તંત્રના સહયોગથી આ કામગીરી કરવામાં આવી હતી. અને યુવકનું લીવર, બે કીડની અમદાવાદની હોસ્પિટલથી આવેલા ડોક્ટરોની ટીમને સોપવામાં આવ્યા હતા. અને અને બંને ચક્ષુનો ઉપયોગ અત્રેની હોસ્પિટલમાં થશે. આ અંગદાનથી બીજા પાંચ જરૂરિયાતમંદોને મદદ થશે.સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સહભાગી થનાર ડોક્ટરોની ટીમ, જેમાં એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર નીતાબેન પટેલ, વંદનાબેન ત્રિવેદી, ન્યુરોસર્જન ડો.ભૌમિકભાઈ તથા સ્ટાફનો તબીબી અધિક્ષકે આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વેગવંતી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરવા વર્ષ – 2019માં SOTTO (સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન)ની રચના કરવામાં આવી છે. જેના દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.
