ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
તાજેતરમાં જ વિશ્વભરમાં ટી.બી. દિવસની ઉજવણી કરી જગત પરથી ટી.બી. રોગની નાબૂદી થાય તે માટે કટિબદ્ધ થવા માટેની હાકલ કરવામાં આવી હતી. ટી.બી. જેને ગુજરાતીમાં ક્ષયરોગ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગના નિવારણ માટે અને આ રોગનું પ્રસરણ ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા માટે વિશેષ કામગીરી કરી છે. જેના કારણે જિલ્લાની ૧૪૮ પંચાયતો વર્ષ-૨૦૨૪માં ટી.બી. મુક્ત બની છે. સમગ્ર રાજ્યમાં ટી.બી.ની આ પ્રકારની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે.
જિલ્લાની પંચાયતોની કામગીરીની સરાહના કરવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટી.બી. મુક્ત બનેલી પંચાયતોનું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે પ્રમાણપત્ર અને મેમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આજે યોજાયેલા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં વેરાવળ તાલુકાના ૩૩ અને તાલાલા તાલુકાના 33 ટી.બી. મુક્ત પંચાયતના સરપંચઓને “ટીબી મુક્ત પંચાયત”ના પ્રમાણપત્ર તેમજ મેમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ સાથે, ટી.બી. મુક્ત પંચાયત ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર જિલ્લાના ક્ષય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓનું પણ કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટરએ આ અવસરે ટી.બી. મુક્ત પંચાયતના સરપંચઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચી અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવી રહી છે. આજે જે પંચાયતો ટી.બી. મુક્ત બની છે, તેમણે વધુ કાળજી લેવાની જરૂર છે. કારણકે ટી.બી.ને સામાન્ય ગણીને આપણે થોડું સારૂ થતાં તેની કાળજી લેવાનું છોડી દેતાં હોઈએ છીએ, જેના કારણે આ રોગ ફરીથી થતો હોય છે. પરંતુ આપણે આ રોગ થાય જ નહીં તે માટેની પૂરતી કાળજી રાખવા સાથે આપણી આસપાસના વાતાવરણમાં પણ આ રોગ ન પ્રસરે તે માટે વિશેષ તકેદારી લેવી જોઈએ. તે વિશે કલેક્ટરશ્રીએ વિશેષ ઝોક આપ્યો હતો.
કલેક્ટરએ આ જ રીતે આગામી વર્ષ દરમિયાન ટીબી મુક્ત પંચાયતો પોતાના માપદંડ જાળવી રાખે અને જિલ્લામાં અન્ય નવી ટી.બી મુક્ત પંચાયતો ઉમેરાય તે દિશામાં સામુહિક સહિયારા પ્રયાસો કરવા અને અન્ય પંચાયતોને પણ ટી.બી. મુક્ત બનાવવા માટે સક્રિય રીતે તમામ ગ્રામજનો સહભાગી બને એવી અપીલ કરી હતી.
જિલ્લા ક્ષય અધિકારી ડૉ.શીતલ રામે ‘ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત’, ‘નિક્ષય પોષણ યોજના’, ‘સારવાર સફળતાનો દર’ની રૂપરેખા આપી અને ટીબી મુક્ત પંચાયતમાં જનભાગીદારીનું મહત્વ, ટી.બી. મુક્ત પંચાયતના માપદંડો તેમજ વિકાસશીલ તાલુકા અંતર્ગતના મુદ્દાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યાં હતાં.પલ્મોનોલોજીસ્ટ ડો.પરમારે ટી.બી.ના લક્ષણો, ટી.બી.ની સારવાર, ટી.બી.ના શંકાસ્પદ દર્દીઓની તપાસ, ટી.બી.ના મુખ્ય લક્ષણો વગેરે વિશેની જાણકારી આપી ટી.બી. એ ક્યુરેબલ રોગ છે એ વિશેની સમજૂતી આપી હતી. પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લો પણ સક્રિય રીતે પોતાની ભાગીદારી નોંધાવી ગીર સોમનાથ ટી.બી. મુક્ત બને એ દિશામાં કામગીરી કરી રહ્યો છે.
તેમણે વધુમાં ગીર સોમનાથના આરોગ્યકર્મીઓની પણ નોંધપાત્ર ભૂમિકાને બીરદાવી અને આરોગ્ય કર્મચારીઓની ગ્રામ્યસ્તરે ટી.બી. લક્ષી ઉત્તમ કામગીરીને બીરદાવી હતી.
આ તકે, વેરાવળ અને તાલાલા તાલુકાના સરપંચઓ, ક્ષય વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.