ગુજરાત ભૂમિ, બોટાદ
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા અને મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના વિશેષ માર્ગદર્શન હેઠળ તેમજ મહિલા પોલીસ સ્ટેશનનાં થાણાં અધિકારી ડી. બી. પલાસની દેખરેખ હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં લગ્ન ઉપરાંત થતાં વિવાદોનું સમજણથી સમાધાન કરાવવામાં આવે છે.
આ સેન્ટરમાં તાજેતરમાં એક દંપતીનો કેસ આવ્યો હતો કે જેમાં બન્ને પરિવાર વચ્ચે મધ્યસ્થી, પરામર્શ અને સમજણથી સેન્ટરે દંપતીને દોઢ વર્ષ બાદ ફરીથી ભેગા કર્યા હતાં.
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર અરજદાર મહિલા પોતાની મનોવ્યથા લઈને આવેલી હતી, જેમાં મહિલાએ જણાવ્યું હતું કે પેહલા લગ્નમાં ઘર મેળે છુટાછેડા થયેલાં ત્યાર બાદ સમય જતા જ્ઞાતિના રીત રિવાજ મુજબ બીજા લગ્ન કર્યા હતા. જેમાં આશરે દોઢ વર્ષ બાદ પતિ દ્વારા રસોઈ બાબતે કંકાસ કરી પતિ દ્વારા તેમને પિયરમાં મોકલી દેવાયા હતા.
મહિલાના પિયર પક્ષનાં સભ્યો દ્વારા ઘરમેળે અથાગ પ્રયત્નો કરવા છતાં સાસરા પક્ષનાં સભ્યોનો પ્રત્યુત્તર ન મળતાં મહિલા કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા પાસે આવ્યા હતા, તેમના દ્વારા અરજદારને માનસીક સાંત્વના આપવામાં આવી હતી, અને સાસરા પક્ષનાં સભ્યોને પરામર્શ માટે બોલાવી મહિલા પોલીસ સ્ટેશન સ્થિત કાર્યરત વુમન હેલ્પડેસ્કના કર્મચારી ચૌહાણ મુકેશભાઈ સાથે સંકલનમાં રહી બન્ને પક્ષે ચાલતા લાંબાગાળાના વિવાદનો દોઢ વર્ષ બાદ અંત કરીને દંપતીનું સુખદ સમાધાન કરાવ્યું હતું. તેથી બન્ને પક્ષ દ્વારા ગુજરાત પોલીસ તેમજ મહિલા બાળ વિકાસ વિભાગનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
