ગુજરાત ભૂમિ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.