ગુજરાત ભૂમિ , સુરત
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોરે તેઓના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની પણ આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી પાસેથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ભૌતિક સુવિધા અંગેની માહિતી મેળવી હતી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું કેમ્પસ જીતનગર ખાતે નવું અધ્યતન નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર કેમ્પસનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે વાવડી ખાતે ચાલતા એડમિન બિલ્ડીંગની મુલાકાત લઈ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી અને રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા સહિત યુનિવર્સિટીના સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત કરી હાલમાં ચાલી રહેલા કોર્ષ અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પૃચ્છા કરી હતી.
વિસ્તારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા ગુણવત્તા અને ટકાઉ બને તે દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પુરી પાડનારી આ યુનિવર્સિટીનું નવનિર્મિત પરિસર સત્વરે ઉપલબ્ધ થાય તે માટે તેના લોકાર્પણના બનતા ઝડપી પ્રયત્નો કરી સુવિધાયુક્ત કેમ્પસ યુનિવર્સિટી હસ્તક સૌંપવા માટે હાલમાં કામગીરી કયા તબક્કે છે અને તેમાં ખૂટતી કડીઓ ઉમેરવા અંગે મંત્રીએ ખાતરી આપી હતી. મંત્રીની આ આકસ્મિક શુભેચ્છા મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે સહિત અન્ય અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.