ગુજરાત ભૂમિ,
સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં વ્યાપક પણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આમછતા ઘણા લોકો દ્વારા જાહેરમાં કચરો કરવાની પ્રવૃત્તિ જોવામાં આવી છે.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે, જે લોકો આ રીતે નગરને ગંદુ કરવાની પ્રવૃત્તિ કરતા પકડાશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે સ્વચ્છતા ઝુંબેશમાં સહકાર આપી વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને વેરાવળ શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
ચીફ ઓફિસરએ આ અંગે જણાવ્યું છે કે, આ નગર આપણા સૌનું છે અને નગરની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે આપાણા સૌની જવાબદારી છે. વેરાવળ નગર પ્રસિદ્ધ સોમનાથ મંદિરની પાસે આવેલું હોવાથી દેશભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓ પણ આપણા નગરની સારી છબી લઈને જાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. સમગ્ર રાજયમાં જ્યારે નગર અને શહેરો સ્વચ્છ કરવામાં આવી રહ્યાં છે ત્યારે વેરાવળ નગર પણ સ્વચ્છ અને સુંદર બને તે માટે સૌ નાગરિક સમાજ સહયોગ આપે તે ઈચ્છનીય છે. આમ છતાં જો કોઈ નાગરિકો દ્વારા શહેરમાં કોઈ જગ્યાએ જાહેરમાં કચરો નાખતા માલૂમ પડશે તો નગરપાલિકા દ્વારા આવા નાગરિકો, વ્યાપારીઓ અને એકમો સામે દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડથી ટાવર ચોક, ટાવર ચોકથી લાઈબ્રેરી બજાર, સટ્ટા બજાર જેવા વાણિજ્યિક વિસ્તારોના વેપારીઓ સ્વચ્છતા રાખે અને ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં જ પોતાનો કચરો નાખે, દુકાનદારો પોતાના વાણિજ્ય ક્ષેત્ર આસપાસ ડસ્ટબીનનો ઉપયોગ કરે તેમજ સ્વચ્છતા જાળવે.૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦ ૦૦