ચૂનાવ કા પર્વ-દેશ કા ગર્વ
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
લોકશાહીના પર્વમાં દરેક મતદાર સહભાગી બની લોકશાહીનો પાયો મજબૂત બનાવે તે માટે લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ સાથેના સંદેશા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મતદાન જાગૃતિના સંદેશા માટે નવતર પ્રયોગ કરી વેરાવળ શાકમાર્કેટ ખાતેના વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટર એ આ અંગે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકમુક્ત ભારત માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે. તેમણે શાકભાજીના વેપારીઓને પોતાના શાકભાજીના વેચાણ માટે કાપડની થેલીનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી નિર્ભયતાપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આજે સવારે વેરાવળ ખાતે આવેલ શાકમાર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ અને શાકભાજી લેવા આવતાં લોકોને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે મતદાન જાગૃતિ અંગેની કાપડની થેલીઓ વિતરણ કરવામાં આવી હતી. થેલી પર મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ને મંગળવારના રોજ અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના પાયાને મજબૂત બનાવીએ તે પ્રકારના સંદેશા સાથે લોકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
આ તકે અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલ, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સર્વ સુનિલ મકવાણા, અંકિત ભદોરિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, વેરાવળ શહેર મામલતદાર શામળા, ગ્રામ્ય મામલતદાર આરઝુ ગજ્જર, વેરાવળ તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, સીટી પીઆઇ ગોસ્વામી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.