ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. આ અંગે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમવિષ્ટ કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ સોફ્ટવેર દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ રેન્ડમાઈઝેશન વખતે વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને આખરી કરવામાં આવી હતી તથા તેની યાદી રાજકીય પક્ષોને આપવામાં આવી હતી.
ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે.
નોંધનીય છે કે તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૦૮/૦૪/૨૦૨૪ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ ઈ.વી.એમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે.
મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવી બારૈયા સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.