ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૪ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતી અનુસાર નીચેની વિગતે ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મોટા કદના પ્રાણીઓ (સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે) : આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે.
નાના કદના પ્રાણીઓ (વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વિગેરે) : આ તમામ પ્રાણીઓનાં પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
વાંદરા : તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે વાંદરાઓને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
પક્ષીઓ : જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી શેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ પાંજરાઓની અંદર ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.
હરણ : તમામ હરણના પાંજરાઓમાં વ્રુક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સાબર હરણ માટે તેઓની પ્રકૃતી અનુસાર ખાસ પ્રકારનો મડ પોન્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગરમીના સમયે સાબર મડ પોન્ડમાં બેસી ગરમીથી રાહત મેળવે છે.
આ ઉપરાંત ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓમાં ગરમીના કારણે Diarrhoea – Dehydration ના થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓમાં અંદાજે ૧૦% જેટલો ખોરાકમાં ઘટાડો નોંધાય છે. જ્યારે સરીસૃપ પ્રજાતીના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વિગેરેમાં દૈનીક ખોરાકમાં વધારો નોંધાયેલ છે.