ગુજરાત ભૂમિ, ભાવનગર
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૭/૫/૨૦૨૪ના રોજ તેમજ મતગણતરી ૪/૬/૨૦૨૪ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂરિયાત જણાતાં ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામામાં જણાવ્યાં મુજબ કોઇપણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહી.ધાર્મિક સંસ્થાઓ (દુરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી તેથી તે કાયદાનું અસરકારક રીતે પાલન કરવાનું રહેશે.
કોઇપણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે તે સ્થળોએ કોઇપણ જાતના ચૂંટણી પ્રચાર માટેના બેનર લગાવવા નહિ. ચોપાનીયા વહેંચવા નહી કે કોઈપણ રાજકીય નેતાઓ કે આયોજકોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નહીં. સભ્યો નોંધણી કરવા નહીં. ચૂંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહી કે, ચૂંટણી સબંધી કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ કરવી નહી. આ અંગે ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ઇસમ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.