ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવેલ, તેમ મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આપેલ વિગતે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવેલ : રાજકોટ ઝૂએ આપેલ પ્રાણીઓ ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત ખાતેથી મેળવેલ પ્રાણીઓ – સાબર નર ૦૨ – માદા ૦૨ ; માર્શ મગર નર ૦૨ – માદા ૦૨.

ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતીઓના કુલ ૫૫૦ વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે. હાલ ચોમાસાની ઋતુ હોય, ઝૂની બન્ને તરફના તળાવો લાલપરી તથા રાંદરડા છલકાઈ ગયેલ છે તેમજ સમગ્ર પ્રાણીસંગ્રહાલય હાલ કુદરતી નૈસર્ગીક જંગલ સ્વરૂપે ખીલી ઉઠેલ છે. જેને જોવા માટે ગત રવીવારના દિવસે ૫,૨૭૭ સહેલાણીઓ ઝૂની મુલાકાતે પધારેલ.
