ગુજરાત ભૂમિ, બોટાદ
આગામી 26મી જાન્યુઆરી,પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ સ્ટેશનની દીવાલ પર ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સરકારી હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ ઝાપડીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ‘આઝાદી અમર રહો’નો સંદેશ આપતા સુંદર ચિત્રો વડે બસ સ્ટેન્ડની દીવાલો સુશોભિત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે બોટાદના મહત્વના રસ્તાઓની દીવાલો પર ચિત્રો દોરી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું અનેરૂં યોગદાન આપી રહ્યા છે. આગવી ઓળખ ધરાવતા બોટાદ શહેરને દેશભક્તિની ભાવના પ્રબળ બનાવતા ચિત્રો વડે રંગબેરંગી બનાવવાની કામગીરી થઈ રહી છે.