ગુજરાત ભૂમિ, ભાવનગર
દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ સંયુક્ત રીતે કર્યું હતું. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ આ એક અનોખો અનુભવ છે. ગરવી ગુજરાત ખાતે આયોજિત ગુજરાત સ્થાપના દિવસ સમારંભમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય કુમાર સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટના માધ્યમથી સોમનાથ મંદિરના સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વનો પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શ્રી સોમનાથ મંદિરને 3-DLiDAR સ્કેનિંગ/ મેપિંગ સિસ્ટમની સાથે સ્કેન કરવામાં આવેલ છે. તે લોકોને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી અસલ મંદિર જેવો અનુભવ કરાવશે. ગરવી ગુજરાત આવનારા લોકો આ 3D ગુફા અને વીઆર ગોગલ્સ (વર્ચ્યુઅલ રિયાલિટી માટેનાં ચશ્માં)ના માધ્યમથી સોમનાથ મંદિરની નાની-નાની બારીકાઈનો પણ અસલ મંદિર જેવો જ અનુભવ કરી શકશે. આ સિસ્ટમના માધ્યમથી અહીં આવનાર પ્રત્યેક વ્યક્તિને એક અનોખો અને અદ્ભૂત અનુભવ મળશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં દેશના ઐતિહાસિક વારસાને સંરક્ષિત કરવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગુજરાત સરકારે પોતાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેને સંરક્ષિત કરવા માટે ઘણાં પગલાંભર્યાં છે. આ પ્રોજેક્ટ પણ તેનો જ એક ભાગ છે. દિલ્હીનું ગરવી ગુજરાત ભવન, ગુજરાતનાં કળા અને શિલ્પ, વ્યંજનો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને આ પ્રોજેક્ટના માધ્યમથી ગરવી ગુજરાત ભવનના આ પ્રોજેક્ટના માધ્યમથી એક નવો અધ્યાય જોડવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન સમારંભમાં પર્યટન સચિવ હરીત શુક્લા, નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવર સહિત ગુજરાત અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.