ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા પ્ભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૮ જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ, જાહેર રોડ પર દબાણ, વરસાદી પાણીના નિકાલ, મંડળીની જમીન બાબતે છેતરપિંડી, જાહેર રસ્તાના સમારકામ વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. કલેકટર દ્વારા આ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું સ્વાગત કરીને સત્વરે નિવારણ લાવી લોકાભિમુખ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી ઝડપી ત્વરિત અને પારદર્શક સેવા પૂરી પાડવા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ એક દીવાદાંડી રૂપ બનીને ઉભરી આવ્યો છે. છેલ્લા બે દાયકાથી અવિરત ચાલતી જનવિશ્વાસની કડી સમાન સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આગામી સમયમાં પણ રાજ્યના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટેનું સબળ માધ્યમ બની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર, રજિસ્ટ્રાર, પ્રાંત અધિકારીઓ, મહાનગર પાલિકા, દફતર ભવન, પોલિસ વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.