ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ડિસેમ્બ્ર-૨૦૨૨ દરમિયાન ૫૩,૦૮૬ મુલાકાતી ૫ધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૩,૧૦,૯૫૦/-ની આવક થયેલ છે. જેમાંથી ૯,૮૩૩ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે પધારેલ છે. ગત ડિસેમ્બ્ર-૨૦૨૧ દરમિયાન ઝૂ ખાતે ૪૪,૦૭૩ મુલાકાતી ૫ધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૨,૦૩,૨૯૦/-ની આવક થયેલ હતી તેમ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
ડિસેમ્બર-૨૦૨૨, મુલાકાતીઓની વિશેષ સંખ્યા:-
દર વર્ષે દિવાળી વેકેશન પુર્ણ થતા સ્કુલ કોલેજો શરૂ થતાં જ ઝૂ ખાતે શાળા-કોલેજમાંથી વિદ્યાર્થીઓના પ્રવાસ શરૂ થઇ જાય છે. ઝૂ ખાતે રાજકોટ શહેર ઉ૫રાંત ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે ઝૂની મુલાકાતે ૫ધારે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫ણ સ્કુલ-કોલેજના બાળકો માટે પ્રવેશ દરમાં ૫૦% કન્સેશન આ૫વામાં આવે છે. એટલે કે પ્રવાસ દરમિયાન આવતા સ્કુલ-કોલેજના બાળકો ઉ૫રાંત સાથે આવેલ શિક્ષકો પાસેથી ફકત રૂા.૦૫.૦૦ પ્રવેશ શુલ્ક વસુલવામાં આવે છે. સામાન્ય રીતે રવિવાર અને તહેવારના દિવસો દરમિયાન પાંચ હજારથી ૫ણ વધુ મુલાકાતીઓ પાર્કની મુલાકાતે ૫ધારે છે.
હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૦ પ્રજાતિઓનાં કુલ-૫૨૧ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.
