ગુજરાત ભૂમિ, સોમનાથ
સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમ ના રોજ વર્ષ ૧૯૫૧ માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી. દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ 73′ મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. ૧૧’ મે ૧૯૫૧, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ ના શુભ હસ્તે હાલના જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. આ દિવ્ય પ્રસંગ ની વિશેષ ઉજવણી એવી હતી કે “પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. આ સમયે પવિત્ર ૧૦૮ તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો, આ ધન્ય પળે ૧૦૧ તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો. શિવપ્રાસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે, કે આવુ શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળના સ્થંભો, મંદિરના નૃત્યમંડપ સભામંડપના કળશો સુર્વણ મંડીત થયા છે, મંદિરના સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. ૮૦૦ વર્ષ પછી નાગરશૈલી મા નિર્માણ પામનાર આ પ્રથમ દેવાલય છે, જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદ થી પણ પ્રસિદ્ધ છે.
પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ- વિસર્જન- સર્જન- આસ્થા- રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનુ જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધીથી વર્તમાન યુગમાં સાત સમંદર પાર વિદેશમાં વસતા ઓનલાઈન સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શનાર્થીઓ પહોંચે છે. આજે શ્રી સોમનાથ મંદિર ના 73′ માં સ્થાપના દિવસ નિમિત્તે ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇના હસ્તે ધ્વજાપૂજા, સરદારશ્રીને વંદના અને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવેલ, 72 વર્ષ પૂર્વે સવારે ૯:૪૬ એ મહાપૂજા કરવામાં આવેલ, એ ઉપલક્ષ્યમાં તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર મુખ્ય પૂજારી વિજયભાઈ ભટ્ટ તથા પૂજારી વૃંદ દ્વારા કરવામાં આવેલ હતો.
સોમનાથ સ્થાપના તિથિ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના હસ્તે મહાદેવની વિશેષ પાઘ પૂજા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માં આવેલા તમિલ મહેમાનો પણ આ પાઘ પૂજામાં જોડાયા હતા. સચિવ શ્રી ઉપરાંત ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દલીપ ચાવડા પણ પાઘ પૂજન માં જોડાયા હતા. સોમનાથ મહાદેવની પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ પાલખીયાત્રામાં તંજાવુરના મહારાજા બાબાજી રાજા ભોંસલે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાત રાજ્યના મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો સોમનાથ ટ્રસ્ટની સ્થાપના તિથિ દિન નિમિત્તે યોજવામાં આવેલ આ પાલખીયાત્રામાં ઉત્સાહ અને ભક્તિ ભાવ સાથે જોડાયા હતા. મંગલ વાદ્યો સાથે મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ પાઘ પુજારી શ્રી ને અર્પણ કરવામાં આવી હતી જે પાઘને મધ્યાહન શૃંગારમાં મહાદેવ પર શણગારવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે.
સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કે ‘વિનાશક શક્તિ પર હંમેશા સર્જનાત્મક શક્તિ નો વિજય થાય છે,જે આ રીતે ભવ્ય હોય છે.