ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી હસ્તકલા પ્રદર્શનીની કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિમંત્રી અર્જુનરામ મેઘવાલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. તેઓએ ગુજરાત-તમિલનાડુના ૬૫ જેટલા હસ્તકલાના કારીગરોના કસબના વૈભવરૂપ એવા કલાત્મક સર્જનો અને ચીજવસ્તુઓને રસપૂર્વક નિહાળી નિરીક્ષણ કર્યું હતું.
સમુદ્ર દર્શન પથ નજીક આયોજિત આ હસ્તકળા પ્રદર્શનીની મુલાકાત દરમિયાન મંત્રીઓએ વિવિઘ કલાત્મક વસ્તુઓ અંગે વિગતવાર માહિતી મેળવી હસ્તકળાના કારીગરો સાથે સંવાદ કરવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મેઘવાલે વણાટના હાથસાળ મશીન પર બેસી પરંપરાગત રીતે થતા વણાટ કામની બારિકાઈઓ સમજી હતી.
ઉપરાંત તેમણે નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે તસવીર પણ મેળવી હતી. અંતમાં 5-ડી ટેકનોલોજી સાથેના વીઆર હેડસેટના માધ્યમથી ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળોની વર્ચ્યુઅલ સફર પણ મંત્રીએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે સદીઓ પહેલા પોતાની માતૃભૂમિથી વિખૂટા પડેલા તમિલ બાંધવોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ફરી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી પોતાના વતન સાથે પુન: જોડાણ સ્થાપિત થયું છે. આ સાંસ્કૃતિક સંગમ અને હસ્તકલા પ્રદર્શની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની નેમને સાર્થક કરે છે