ગુજરાત ભૂમિ , ભુજ
કિશોરીઓનું સ્વાસ્થ્ય સારું રહે તેમ જ સરકારી યોજનાઓની માહિતી કિશોરીઓ સુધી પહોંચે તે હેતુથી જિલ્લા પોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત મુન્દ્રા ખાતે તાજેતરમાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજવામાં આવ્યો હતો.
તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ચેતનભાઈ ચાવડા, સારસ્વતમ સંસ્થાના પ્રતિનિધિ મુલેશભાઈ દોશી, બાળ વિકાસ યોજના અધિકારી આશાબેન ગોર તથા એડવોકેટ દેવલબેન ગઢવી સહિતના મહાનુભાવોએ કિશોરી મેળાની મુલાકાત લઈ કિશોરીઓ માટે ભેદભાવ રહિત સમાજ નિર્માણ કરવાના સિગ્નેચર કેમ્પેઇનમાં હસ્તાક્ષર કર્યા હતા. આ મેળામાં કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય વિષયક સ્વચ્છતા, પૂરક પોષણ, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના સ્ત્રી સશક્તીકરણના પાયાના મુદ્દાઓની માહિતી આપવામાં આવી હતી.
આ અવસરે બાળ સુરક્ષા એકમ, કાનૂની સેવા સત્તા મંડળ, શિક્ષણ વિભાગ, આઈ. ટી.આઈ., તાલુકા હેલ્થ ઓફીસ અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા બાળકોના હક અને કાયદા, સ્ત્રી સશક્તિકરણ, પોક્સો એક્ટ, મફત કાનૂની સહાય, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, આઈ.ટી.આઈના વિવિધ કોર્સ, સ્વબચાવ, શિક્ષણ, બચત યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી.
બેટી બચાવો બેટી પઢાવો પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી કુશળ બનો થીમ આધારિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત, બી.આર. સી., તાલુકા હેલ્થ ઓફિસ, આઈ.ટી.આઈ., અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.