ગુજરાત ભૂમિ, ભાવનગર
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રજાલક્ષી કામોને પ્રજાની સુખકારીનો વિચાર કરીને પ્રાથમીકતા આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ૧૫% વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલી જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડનાં કામો, કોઝ-વેનાં કામો, નાળાંના કામો, ગટરના કામો, પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાનમાં ખૂટતી સુવિધાના કામો વધારાના આયોજન સહીતના કામો પ્રભારીમંત્રી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.
વિવેકાધીન જોગવાઈ તાલુકા કક્ષા સામાન્ય, અનુ. જાતી પેટા યોજના, ૫% પ્રોત્સાહક, ભાલ ખારાપાટ હેઠળ મળવાપાત્ર રકમ કૂલ રૂ.૧૨૦૦/- લાખ માંથી ભાવનગર જિલ્લાના કૂલ ૧૦ તાલુકાના રૂ.૧૨૦૦.૦૦ લાખના કૂલ ૪૨૬ કામો તથા જિલ્લાકક્ષા જોગવાઈમાંથી રૂ. ૩૫ લાખના કૂલ ૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની કૂલ ૬ નગરપાલિકાના રૂ.૧૫૦.૦૦ લાખના કૂલ ૨૭ કામોને, નાયબ નિયામક વિ.જા તરફથી ખાસ પ્લાન યોજના હેઠળ રૂ.૪૦.૦૦ લાખના કૂલ ૧૦ કામોને, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય રસ્તા, પાણી પુરવઠા, ગટર તથા પોષણ સદરના રૂ.૧૪૨૫.૦૦ લાખના કામોને મંજૂરી મળવાથી ગ્રામ્ય લોકોની સુખાકારીમાં વધારો થશે.
આ બેઠકમાં પ્રભારીમંત્રી દ્વારા ૧૫% વિવેકાધિન જિલ્લા કક્ષા જોગવાઈમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા રજુ થયેલ દરખાસ્તો, ૨૦૨૩-૨૪ મુજબ ખાસ પ્લાન યોજનાની નવી દરખાસ્તો, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, આપડો તાલુકો વાયબ્રન્ટ તાલુકો, સંસદસભ્ય ફંડ (લોકસભા અને રાજ્યસભા)ના કામોની સમીક્ષા કરીને મંજુરી આપવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરએ તમામ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યુ હતું કે કોઇ પણ તબક્કે અટકો અને જરૂર પડે ત્યારે તરત જ વિના સંકોચે જિલ્લા વહીવટી તંત્રને જણાવી શકો છો, જિલ્લાની લોકપયોગી કામગીરી અને વિકાસલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.
જિલ્લા આયોજન અધિકારી કે. વી. પટેલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા તેમજ શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા, મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા, નિવાસી અધિક કલેક્ટર બી. જે. પટેલ, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.