ગુજરાત ભૂમિ, ડાંગ
આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર ડો.વિપીન ગર્ગ એ ‘સો દિવસના લક્ષ્યાંક’ અંગે તમામ વિભાગો/કચેરીઓને તેમના લક્ષ્યાંકો પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેક્ટરએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પધ્મરાજ ગાવિતે જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. દરમિયાન કલેકટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં રોડ સેફટી, કાયદો અને વ્યવસ્થા, સ્વચ્છ ભારત મિશન સહિતની શ્રેણીબદ્ધ બેઠકો પણ આયોજિત કરાઈ હતી. જેમાં કલેકટરએ સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કર્યા હતા. બેઠકમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.