ગુજરાત ભૂમિ, સુરત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે માંડવીના સુથાર ફળિયા પૂનમ વાડી ખાતે આયુષ મેળાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ અવસરે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, ભારતે આપેલી અનમોલ ભેટ એવા યોગને સમગ્ર વિશ્વમાં જાણીતો થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનો સમક્ષ રજુઆતને પગલે ૨૧મી જુનને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના પરિણામે ભારત જ નહિ પણ વિશ્વના લોકોએ યોગને સ્વીકાર્યું છે. યોગના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યતા કેળવાય છે. માનવ શરીરને સ્વસ્થ્ય રાખવું હોય તો આયુષ ઔષધોની દિશામાં આગળ વધવું જ પડશે. વધુમાં તેમણે કહ્યું કે, આપણી પ્રાચીન આયુર્વેદિક ઔષધિ વિશે લોકોને વધુને વધુ માહિતગાર કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ભારતના વૈજ્ઞાનિકોના સફળ પ્રયાસથી સ્વદેશી રસીનું નિર્માણ કરવામાં આવી હતી. આવનારા સમયમાં માંડવી નગર પાલિકા ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી કરશે તે માટેના તમામ પ્રયાસો કરવાની નેમ વ્યકત કરી હતી. આ નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં જનરલ ઓ.પી.ડી, બાળકોના રોગો, સ્ત્રીઓના રોગો, વૃદ્ધોના રોગોના તમામ રોગોની આયુર્વેદ અથવા હોમિયોપથી પદ્ધતિથી સારવાર આપવા માટે ખાસ અગ્નિકર્મ, યોગ નિદર્શન અને વનસ્પતિ નિદર્શન માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં દરેક લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસારે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારથી આયુષ વિભાગ અલગ કરવામાં આવ્યું. જેમાં આયુર્વેદિક વિભાગમાં વર્ષોથી ઉપયોગ કરાતી ઔષધિઓ જે આયુર્વેદને ફરી ઉપયોગમાં લેવાઈ તેવા પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે કોરોના સમય બાદ આયુર્વેદિક વિભાગ દ્વારા આયુર્વેદિક સારવાર આપવામાં આવી હતી. સ્ટોલ જે શરીર તંદુરસ્ત રાખવા માટે આયુર્વેદિક ઉપચાર દ્વારા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગ પ્રશિક્ષક દ્વારા વિવિધ યોગાસનોનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આયુષ અધિકારી ડો.કાજલબેન મઢીકર, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, માંડવી સુપ્રિન્ટેન્ટ સીએચસી પરિમલ ચૌધરી, માંડવી ટીએચઓ નરેન્દ્ર ચૌધરી, સીડીપીઓ હંસાબેન માલવી, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસી, સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન વસાવા, આયુર્વેદિક તબીબો, શાળાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.