ગુજરાત ભૂમિ, વલસાડ
108, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, 181 અભયમ, 1962 કરુણા અને 10 MVD સેવાના કર્મીઓને સમયનું મહત્વ સમજાવાયું વલસાડમાં તિથલ બીચ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસના તમામ કર્મચારીઓને ટાઈમ મેનેજમેન્ટ વિષય અંગે માહિતી આપવામાં આવી હતી. સેમિનારના મુખ્ય વક્તા અને ટ્રેનર ડૉ. અંકુર શ્રીમાલી દ્વારા તમામ કર્મચારી મિત્રોને જીવનમાં સમયનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું અને વિશેષ કરીને જ્યારે એક એક ક્ષણ ખુબ જ મૂલ્યવાન હોય છે ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માહિતગાર કર્યા હતા. સેમિનારમાં વક્તા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સમય અને તેના સદુપયોગ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આશરે પોણા બે કલાકના સેમિનારમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસના તમામ પ્રોજેકટ જેમ કે 108 એમ્બ્યુલન્સ સેવા, ખિલખિલાટ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ એમ્બ્યુલન્સ સેવા, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા તથા 10 ગામ દીઠ ફરતુ પશુ દવાખાનુ સેવાના આશરે 100 જેટલા કર્મચારી મિત્રોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કર્મચારીઓએ પરિસંવાદ કરીને ખુબ જ ઉપયોગી લાભ લીધો હતો તથા સમયનો સંપૂર્ણપણે સદુપયોગ કરવાની નેમ લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન 108ના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિજય ગામીત અને MVD પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સંજય ઢોલા દ્વારા કરવામાં આવ્યું હતું તથા EMRI ગ્રીન હેલ્થ પરિવાર વતી વલસાડ-નવસારી-ડાંગના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, નવસારી અને ડાંગના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મયંક ચૌધરી અને સંજય વાઘમારે, MHU પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિમેષ પટેલ હાજર રહ્યા હતા.